સુરતમાંથી ઝડપાયું નકલી માર્કશીટનું કૌભાંડ, ૬ આરોપીઓ સામે ફરિયાદ, બે યુકે-કેનેડા હોવાનું અનુમાન

Fake degree certificates

સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે. જેમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બોગસ ડિગ્રી સર્ટિફિકેટો જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી ૬ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. તો બોગસ ડિગ્રીના આધારે આ સમયે કેટલાક લોકોને વિદેશ પણ મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે.

સુરત શહેરમાં થોડા દિવસ પહેલા જ સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું એક કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એક વખત સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. ઉત્રાણ પોલીસ દ્વારા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમો પાસેથી અલગ અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓની નકલી માર્ક સીટો જપ્ત કરવામાં આવી છે. આ ઈસમો સર્ટિફિકેટ અને માર્કશીટ તૈયાર કરવા માટે લોકો પાસેથી ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા પડાવતા હતી. હાલ પોલીસે ધ્રુવીન કોઠીયા, વિશાલ તેજાણી અને ફેનીલ વિરડીયાની ધરપકડ કરી છે.

પોલીસને આ ઈસમો પાસેથી અલગ અલગ યુનિવર્સિટીઓ તેમજ અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની 13 જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળ્યા હતા. ઉપરાંત લેપટોપ મોબાઈલ ફોનમાંથી સંત ગગડે બાબા અમરાવતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મદ્રાસ, બરોડા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીની અલગ અલગ 16 પીડીએફ મળી આવી હતી.

આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ કુલ મળીને પોલીસે 1,59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી, બોની તાલા, વૈભવ તાલા, ધ્રુવીન કોઠીયા ધ્રસામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે સંજય ગેલાણી, વિશાલ તેજાણી અને ધ્રુવીન કોઠીયાની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપી નીલકંઠ, બોની અને વૈભવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપી પકડાયા છે તેમાંથી વિશાલ ટુરીઝમના ધંધા સાથે સંકળાયેલો છે. આરોપી નીલકંઠ આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સીના નામથી વિઝાનું કામ કરે છે અને ધ્રુવીન નીલકંઠને ત્યાં નોકરી કરે છે.

આરોપીઓ વિદેશ જવા માટે ઘણા લોકોને સર્ટિફિકેટ અને ગેરકાયદેસર રીતે ડિગ્રી બનાવી આપતા હતા અને વિદેશ મોકલવામાં મદદગારી કરતા હતા. આરોપી દ્વારા આપવામાં આવેલી નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે ઘણા લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે. કેટલા લોકો વિદેશ ગયા છે તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *