ટોયોટામાં Nvidiaનું સુપરકોમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે, જેથી કારોની સુરક્ષા અને ઓટોમેશનમાં ભરપૂર વધારો થશે

ટોયોટાની નેક્સ્ટ-જનરેશન કાર્સમાં હવે Nvidiaનું સુપરકમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. Nvidiaએ હાલમાં જ લાસ વેગાસમાં ચાલતા CES 2025 ઇવેન્ટમાં આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યું છે. આ સુપરકમ્પ્યુટર લોન્ચ કર્યા પછી, ટોયોટાએ જાહેરાત કરી છે કે તેઓ તેની ભવિષ્યમાં આવનારી કાર્સમાં એનો ઉપયોગ કરશે. આ બન્ને કંપનીઓ સાથે મળીને કારના ડ્રાઈવિંગ અનુભવને અનોખું બનાવવા માગે છે અને સેફ્ટીની પણ પ્રાધાન્યતા આપશે.

ટોયોટાની આગામી કારોમાં Nvidia ડ્રાઈવ AGX Orin સુપરકમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે. આ સુપરકમ્પ્યુટર કારના તમામ સેન્સર ડેટાને સંકલિત કરી, સાચો નિર્ણય લેવાની પ્રક્રિયા પ્રદાન કરશે. આ પ્રોસેસ એટલી ઝડપી હશે કે કાર વિવિધ પરિસ્થિતિઓને ઉત્તમ રીતે હેન્ડલ કરી શકે છે. જેના પરિણામે, ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ ફીચર વધુ એડવાન્સ બનશે. AGX Orin Nvidiaનું સેલ્ફ-ડ્રાઈવિંગ ટૂલકિટ છે. આમાં Nvidia DGX અને Omniverseનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને ટ્રેન કરવા માટે ઉપયોગી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ થતા, કાર ડ્રાઈવિંગ દરમિયાન સ્પીડ અને નિયંત્રણ સંબંધિત બધા નિર્ણયો પોતે લેતી રહેશે.

ટોયોટાની કારોમાં Nvidiaની સેફ્ટી પર ભાર આપતી ડ્રાઈવ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે. આ ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ સેફ્ટી છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિયલ-ટાઇમ પ્રોસેસિંગ કરશે અને એડવાન્સ ડ્રાઈવિંગ અને કોકપિટ ફીચર્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ટોયોટાની આગામી કાર આ ઓપરેટિંગ સિસ્ટમને કારણે સેફ તો રહેશે જ, પરંતુ એમાં એટલાં જ ઓટોમેશન ફીચર્સ પણ જોવા મળશે.

ટોયોટા અને Nvidiaની પાર્ટનરશિપ ખૂબ જ જૂની છે. 2017માં, ટોયોટાએ જાહેર કર્યું હતું કે તે પોતાની કારમાં Nvidiaની ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. 2019થી, ટોયોટાએ પોતાના ઓટોનોમસ વાહન સિસ્ટમને વિકસાવવા અને ટ્રેન કરવા માટે Nvidiaની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો હતો. હાલની જાહેરાત મુજબ, બન્ને કંપનીઓ તેમના સહયોગને એક પગલું આગળ વધારી રહી છે. Nvidiaના સુપરકમ્પ્યુટર્સ હવે ટોયોટાની કારોને વધુ સેફ અને સિક્યોર બનાવવામાં મદદરૂપ થશે.

ટોયોટા સાથેની આ પાર્ટનરશિપ Nvidiaના બિઝનેસ માટે ફાયદાકારક સાબિત થશે. Nvidia હવે માત્ર ક્લાઉડ સિસ્ટમ અને ચીપ્સ અને ગ્રાફિક્સ કાર્ડ નહીં, પરંતુ કારના બિઝનેસમાં પણ પોતાનું દ્રષ્ટિકોણ વિકસાવી રહી છે. Nvidia અનુસાર, તેમના ઓટોમોટિવ બિઝનેસને 2026માં 5 બિલિયન ડોલરનો વોલ્યુમ મળી શકે તેવી આશા છે.