પ્રધાનમંત્રી મોદી સુરતના મહેમાન બનવાના છે. કહેવાય છેકે, દિકરો જમતો હોય અને મોસાળમાં મા પિરસતી હોય ત્યારે કેવો જલવો હોય કંઈક એવો જ વટ સુરતીલાલાઓ પાડવાના છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રવિવારના રોજ સુરત આવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે સુરતીલાલાઓએ રીતસર જાણે પોતાનું દિલ કાઢીને મુકી દીધું હોય એવું લાગે છે. સુરતે પીએમ મોદીના સ્વાગતની વિશેષ તૈયારીઓ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ 6 પોઈન્ટ પર કરશે પ્રધાનમંત્રીનું સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સુરત એરપોર્ટ થી તેઓ સીધા બાય રોડ ખજોદ સ્થિત ડાયમંડ બુર્સ જવા માટે રવાના થશે.જ્યાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ દેશ-વિદેશથી આવેલા લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
ઓએનજીસી બ્રિજ પાસે, ઓ.પી ફાર્મની સામે, મનભરી ફાર્મ પાસે કરાશે પ્રધાનમંત્રીનું સ્વાગત. આ ઉપરાંત સુરત શહેરના રોડ મટીરીયલ ડેપો પાસે, ડાલમિયા ફાર્મ પાસે અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પક્ષના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. પીએમ મોદીના આગમન વખતે સ્વાગત કરવા માટે 5 હજારથી વધારે કાર્યકરો હાજર રહેશે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, રત્ન કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે. મહત્વનું છે કે, આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરત આવી રહ્યા છે. જ્યાં તેઓ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કરશે અને સુરત ડાયમંડ બુર્સનો વિધિવત આરંભ કરાવશે. સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સુરત આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે શહેર પોલીસના 3000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડ સહિત 550 જેટલા ટીઆરબી જવાનો તૈનાત રહેવાના છે.
સુરત એરપોર્ટ થી લઈ ડાયમંડ બુર્સ સુધી શહેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. પીએમ મોદીના બંને સ્થળો પરના આયોજિત કાર્યક્રમને લઈ શહેર પોલીસ દ્વારા”નો ડ્રોન ફ્લાય ઝોન “જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બે જેટલા રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે વૈક્લિપ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સમગ્ર કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 3,000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડના જવાનો અને 550 ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેવાના છે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીના કાર્યક્રમ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર”નો ડ્રોન ફ્લાય ઝોન”જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર. ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર .ચૌધરીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના સુરત આગમનના પગલે બે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તો એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલનની વ્યવસ્થા કરવામાં આવી છે.જે માટે બંને રૂટ ને લઈ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યો છે.
જેમાં ONGC ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન GIDC ગેટ નંબર એક સુધી આવતા -જતા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ.કે.ચાર ચાર રસ્તા સુધી આવતા -જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.આ માટે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે. સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો,પલસાણા, કડોદરા ,કામરેજ, કીમ ચોકડી થી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ઓએનજીસી ચાર રસ્તા થી હજીરા તરફ જઈ શકશે. જ્યારે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઇડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકશે.આ સાથે ઉધના દરવાજા થી ડાબી ટર્ન લઈ રીંગરોડ ,અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલ પાટીયા, ઓએનજીસી ચાર રસ્તા થી હજીરા તરફ જઈ શકશે. ઉપરાંત હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા,સાયણ, કીમ ચોકડી થી પલસાણા તરફ જઈ શકશે.પ્રધાનમંત્રી ના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રૂપથી સજ્જ છે.