અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે ત્યારે તેમના કાયદાકીય અવરોધો અને મુશ્કેલીઓ સતત વધી રહી છે.કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પૂર્વ પ્રમુખના રૃપમાં કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે નહીં. કોર્ટે જણાવ્યા અનુસાર ૨૦૨૦ની ચૂંટણીના પરિણામો બદલવાના પ્રયત્નો બદલ તેમની વિરુદ્ધ કેસ પણ ચાલી શકે છે.
કોર્ટનો આ ચુકાદો ડોનાલ્ડ ટ્રમ્પના બચાવ માટે એક મોટા આંચકા સમાન છે. કોર્ટે જણાવ્યું છે કે જો કોઇ પ્રમુખને કાયદાનો ભંગ કરવાની પરવાનગી આપવામાં આવશે તો તે એક આશ્રર્યજનક વિરોધાભાસ ગણાશે. ચુકાદો આપનાર ત્રણ જજોની ખંડપીઠમાં બે ન્યાયમૂર્તિ જે મિશેલ ચાઇલ્ડ્સ અને ફલોરેન્સ પેન્સની નિમણૂક જો બાઇડેને કરી છે જ્યારે ત્રીજા જજ કરેન લેક્રાફટ હેંડરસનની નિમણૂક જ્યોર્જ બુશે કરી હતી.
દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે દલીલ કરી હતી કે ૨૦૨૦ના ચૂંટણી પરિણામો પલટવાના પ્રયત્નો માટે તેમના પર ગુનાહિત કેસ ચલાવી શકાય તેમ નથી કારણકે પ્રમુખ રહીને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમાં સામેલ છે. ચૂંટણીના પરિણામો પલટવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોની તપાસ કરી રહેલા વિશેષ વકીલે તેમની વિરુદ્ધ ચાર આરોપો મૂક્યા છે. જેમાં અમેરિકા સાથે વિશ્વાસઘાત કરવાનું કાવતરું, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનું કાવતરું, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો અને અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કરવો તથા અધિકારીઓ વિરુદ્ધ કાવતરું ઘડવું સામેલ છે.