તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં 82 ટકા ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ઉર્જા મંત્રીએ ઉમેર્યું હતું કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી ઓગસ્ટ 2019થી સૂર્ય-ગુજરાત યોજના કાર્યરત છે. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર 1 કિલોવોટથી મહત્તમ 10 કિલોવોટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના 3559 વીજ ગ્રાહકોને રૂપિયા 1915 લાખની સબસિડી આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આવેલા બિપોરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીના કારણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત કરી વીજ કર્મચારીઓએ કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લામાં 7280 વીજ ગ્રાહકોને રૂપિયા 3371 લાખની સબસિડી આપવામાં આવી છે.